સ્વાગતમ સ્વાગતમ.....

"વિચારોને વર્ણવ્યા છે, શબ્દોની સંગાથે , કલમની કરામત છે,આપના વિશ્વાસે . "


આપ સૌનું મારી બ્લોગની દુનિયામાં સ્વાગત છે. વિચારોના વમળોને મેં અહીં આલેખવાનો પ્રયત્ન કર્યો છે.હું નથી કોઇ લેખિકા કે કવયત્રિ. આ એક આમ માનવની અંદર સમાયેલા વિચારોનું તૂફાન છે , જે દુનિયાની ભાગદોડમાં ખોવાઇ ગયું છે. આ બ્લોગ આવા વિચારોને અહીં રજૂ કરવાનો પ્રયાસ છે. આશા રાખું છું કે આપ જરુરથી વધાવી લેશો. આપના સૂચનો હંમેશા આવકાર્ય છે.

અહીં રજૂ થયેલ વિચારો મારા વ્યક્તિગત છે . કોઇ ધર્મ , નાત , જાત કે કોઇ સમૂદાયની ભાવનાઓને ધ્યાનમાં રાખી લખાયેલ નથી.

શનિવાર, 14 ફેબ્રુઆરી, 2015

માનવતાની તરસ







વૈશાખી બળબળતો ઉનાળો. મુંબઈ શહેરનું ભેજવાળું વાતાવરણ. ગરમી અને બફ઼ારાનું સામ્રાજય. આખા વર્ષના સૌથી વધું ઉષ્ણતામાનવાળા તે દિવસો. બપોરના ૧૨ વાગ્યાનો સમય અને ધોમધખતા સૂરજદેવતા. ૩૮-૪૦ ઉષ્ણતામાનમાં જ્યાં પરિશ્રમ કર્યા વગર પસીનો થાય તેવી હાલત અને આવા જ એક બળબળતા બપોરની આ વાત.

મહેનત મજૂરી કરવા પોતાના ગામ છોડી શહેરમાં આવતા મજૂરોની ભારતામાં કમી નથી.પરિવારને ગામમાં એકલા મૂકી બે ટંક રોટલો મળી રહે એવી આશાએ મજૂર વર્ગના અનેક માણસો મુંબઈમાં આવે છે.આવા જ મજૂરોની એક ટૂકડી માજે મુંબઈના પરામાં રસ્તા ખોદવાના કામે લાગી હતી.ગરમીમાં માણસો ઘરની બહાર પગ ન મૂકે ત્યારે આ મજૂરો પેટ ખાતર મજૂરી કરી રહ્યા હતા.ગરમીમાં પસીનેથી નીતર

તા તેમના શરીરો પસીને રેબઝેબ હતા. તેમના મોઢા પર સૂરજના કિરણો પણ પડીને પાછા ફ઼રતા હતા.ધોમધખતો સૂરજ અને કાળી મજૂરી દયનીય સ્થિતિનું સર્જન કરતી હોય છે.ગરમીથી શરીરના જેટલા પાણીનું બાષ્પીભવન થાય છે તેટલા જ પાણીની તરસ પણ લાગતી હોય છે.આ મજૂરો પણ ગરમી અને પાણીની તરસથી ગ્રસ્ત હતા.મુંબઈ જેવા શહેરમાં પાણીના પરબ ક્યાં ગોતવા જવા?વર્ષો પહેલા કોઈ દયાળુ દાતાઓએ બનવેલા પરબો આજે પણ બચ્યાં છે.વિદેશી કંપનીઓએ આપણને પ્લાસ્ટિકની બોટલના પાણી પીતા કરી દીધા છે.પાણીના પરબ જેવી પુણ્યશાળી પ્રથાને અસ્થ કરાવી દીધી છે.આપણા જ ગામનું કુદરતે આપેલું પાણી આપણને બોટલમાં ભરીને વેચવાનાં આ ધંધાએ આપણને ભૂલાવી દીધું છે કે પાણી એ તો અમૃત છે. આંગણે આવેલાને પાણીની ના તો ન જ પડાય.

મજૂરોએ તરસના માર્યા રસ્તાની બાજુએ આવેલી દુકાનમાં પાણી માંગ્યું. શેઠ કરતા નોકર સવાયા એ નાતે નોકરે પાણી તો આપ્યું અને સાથે સાથે કહી દીધું, ’બીજીવાર પાણી માંગવા આવવું નહી.’ ૧૦-૧૨ મજૂરો હોય઼ એટલે સહેજે ૫-૬ બોટલ પાણી તો જોઈએ જ.નોકરનું ના પાડવાનું જે પણ કારણ હોય, બાજુની દુકાનમાં બઠેલા કાકા આ દ્ર્શ્ય નિહાળતા હતા.પાણી માટેની ના સાંભળી તેમનું હ્ર્દય દ્રવી ગયું.ઉનાળામાં તો પંખી પારેવડા માટે પાણીના કુંડા રખાય જ્યારે અહીંયા તો માણસને પણ જાકારો. મજૂરો પાણી પીને પોતાને કામે લાગ્યા. બિસલેરીની બોટલ ખરીદીને પાણી પીવાની તેમની ત્રેવડ તો હતી નહિ.તેઓ પણ મૂંઝાણા કે હવે પાણી પીવા ક્યાં જઈશું ? તેમના મુખ પર તરી આવેલી આ મૂંઝવણ કાકાએ પરખી લીધી. કાંઈક વિચાર કરતા કાકા ઘરે આવ્યા.

ઘરે આવીને તપાસ કરી કે ખાલી બોટલો છે જેમાં પાણી ભરીને મજૂરોને દઈ શકાય.બોટલ તો ફકત એક જ નીકળી.મજૂતો ૧૨ અને ૧ જ બોટલે કામ ન થાય.પછી વિચાર આવ્યો લાવો પાડોશમાં પૂછીએ.બોટલો પાછી નહિ આવે અને મજૂરોને આપવી છે તે વાત કરી.માનવતા ક્યાંક જીવે છે તે નાતે પાડોશમાંથી બોટલો મળી ગઈ.બધી બોટલો સાફ કરી તેમાં પાણી ભરીને કાકા તો ચાલ્યા,મજૂરોને દેવા. પાણી મળ્યું એ જોઈને મજૂરોના ચહેરાની રોનક બદલાઈ ગઈ.બધા મજૂરોએ કામ મૂકી પહેલા પાણી પીધું.પાણી જો કે ફ્રીજનું  ઠંડુ પાણી ન હતું ,પરંતું તેમાં તરસ છીપાવવાની તાકાત હતી.અદ્‌ભૂત સંતોષ હતો. રસ્તાનું ખોદકામ તો સાંજ સુધી ચાલવાનું હતું, વારંવાર પાણી કોણ લઈ આવશે? તે સવાલ ઊભો થયો. કાકાએ મજૂરોમાંથી એકને સાથે લીધો અને નજીકમાં આવેલી સામાજીક સંસ્થાનું વોટર કુલર બતાવ્યું જ્યાં આખો દિવસ ઠંડા પાણીની વ્યવ્સ્થા હતી.બધી બોટલો મજૂરોને આપી, તરસ લાગે તો પાણી ક્યાંથી મળી રહેશે તેની વ્યવસ્થા કાકાએ કરી આપી.

આ બધી હલનચલન જોઈ દુકાનનો નોકર બહાર આવ્યો અને પછી ચાલુ કરી ચર્ચા. "પાણીની વ્યવ્યસ્થા કરવાનું કામ તો મજૂરોના કોન્ટ્રાક્ટરનું છે.આપણે શા માટે તકલીફ લેવી ? કોન્ટ્રાક્ટરને પાણી+જમવાના પૈસા મળતા હોય છે. તે મજૂરોને  આપે નહિ અને પોતે ખાઈ જાય.આ મજૂરોને આપણે કહેવું જોઈએ કે તમારા કોન્ટ્રાક્ટરને કહો પાણીની વ્ય્વસ્થા કરે....વગેરે વગેરે.." આ બધી ચર્ચા કદાચ સાચી હશે. બધી વાતો કાયદાકીય રીતે સાચી હશે. પરંતુ આ ચર્ચાનો સાર નીકળે ત્યાં સુધી શું તમે મજૂરોને પાણી વગર મરવા છોડી શકો ? માનવતાના ધોરણે પાણી દેવું તે આપણો ધર્મ છે.

ફ્કત ચર્ચાથી બધી સમસ્યાનો ઉકેલ નથી આવતો.માનવતા અને સમયની જરુરિયાત મુજબ નિર્ણય લેવાય તો સમાજના બધા વર્ગનો સુમેળ સધાય. મિત્રો ,બીજીવાર પાણી માટે કોઈને નકારતા પહેલા એકવાર વિચારજો  કે તમને તરસ લાગે અને તમને કોઈ પાણીની ના પાડે તો ?

આપણને નકામી લાગતી વસ્તુઓનું બીજાને મન મૂલ્ય હોઈ શકે.તે વસ્તુ બીજા માટે કદાચ અમૂલ્ય પણ હોઈ શકે.પ્લાસ્ટિકની નકામી બોટલો આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તે  મજૂરો માટે આખા દિવસના પાણીનો આધાર બની.કોઈ વસ્તુ કચરામાં ફેંકતા પહેલા એક વિચાર આવવો જોઈએ , ’ શું એવું કોઈ જરુરિયાતમંદ છે ? જેને આ વસ્તુ ઉપયોગી છે ? અને જવાબ જો હા માં હોય તો જરુરથી તેને કોઈને આપીને રાજી થાજો.’